કપાસ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી અને ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
તા: ૦૭ ઓકટોબર ૨૦૨૩ના રોજ “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી અને “કપાસમાં પાછતરી માવજત” વિષય પર ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતભાઈઓ, એફ્પ્રો, રાસી સીડ્સ, રિલાયન્સ ફાઉન્ડેશન, મહિન્દ્રા કૃષિ-ઈ અને વેદા સીડ્સ સાયન્સીસ પ્રા. લિ. ના પ્રતિનિધિઓ તેમજ કપાસ સંશોધન કેન્દ્રના અધિકારીશ્રીઓ/ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
સૌ પ્રથમ કપાસ સંશોધન કેન્દ્રના ફાર્મ પર “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી માટે કપાસની ભલામણ કરેલ ટેકનોલોજીના બેનર્સ તેમજ સુત્રોચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ખેડૂત તાલીમ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારંભમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માનનિય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયા, સંશોધન નિયામકશ્રી ડૉ. આર. બી. માદરીયા, કુલસચિવશ્રી ડો. પી. એમ. ચૌહાણ, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ, કપાસ સંશોધન કેન્દ્રના વડાશ્રી ડૉ. એમ. જી. વળુ અને યુનિટના અધિકારીશ્રીઓ / કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી અને ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
સમારંભની શરૂઆતમાં ડૉ. એમ. જી. વળુ, સંશોધન વૈજ્ઞાનિક (કપાસ) દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિશ્વ કપાસ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની વિગતો આપી હતી તથા આખા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે માનનિય કુલપતિશ્રી ડૉ. વી. પી. ચોવટીયા સાહેબે માર્ગદર્શન આપતા જણાવેલ કે કપાસ પાક આવતા ખેડૂતો બે પાંદડે થયા. કપાસ પાકની આયાત અને નિકાસની વાત કરી અને કૃષિ યુનિવર્સિટી દ્વારા કપાસ ઉત્પાદન વધારવા જે નવી નવી ટેકનોલોજી આપેલ છે તેનો મહત્તમ ઉપયોગ કરી હાલની જે ઉત્પાદન ક્ષમતા છે તેના કરતા ઘણું વધુ ઉત્પાદન આપણે મેળવી શકીએ તેમ છીએ.
સંશોધન નિયામકશ્રી ડૉ. આર. બી. માદરીયા સાહેબે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે ખેતી ખર્ચ કરી આવક અને નફાની વાત કરવામાં આવી. સાથે સાથે ગુલાબી ઈયળ અને જીવાતની આર્થિક ક્ષમ્યમાત્રા તેમ જ દવા લેતી વખતે શું-શું ધ્યાનમાં રાખવું તેની માહિતી આપી.
કુલસચિવશ્રી ડો. પી. એમ. ચૌહાણ સાહેબે કપાસની સાંઠીઓમાંથી બનતા બાયોચાર વિષે માહિતી આપેલ હતી. બાયોચાર એ જમીનમાં કાર્બન ઉમેરવાનું કામ કરે છે, તેમજ સાથે સાથે ફાર્મ મશીનરી અને ટેકનોલોજી વિષે ખેડૂતોને માહીતગાર કર્યાં.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. એન. બી. જાદવ સાહેબે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે, વિશ્વ કપાસ દિવસની ઉજવણીનું મહત્વ અને વિસ્તરણની પ્રવૃતિઓ વિશે માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યક્રમની આભારવિધિ ડો. એમ. વી. વરીયા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં “કપાસમાં પાછતરી માવજત” વિષય પર અત્રેના કેન્દ્રનાં જુદા-જુદા વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાનો રાખવામાં આવેલ હતા અને કપાસની હાલની પરીસ્થિતિમાં મૂંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય માર્ગદર્શનઆપવામાં આવેલ હતું . આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી. એ. આર. ત્રાબંડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કપાસ સંશોધન કેન્દ્રની પૂરી ટીમે જહેમત ઉઠાવી હતી.