જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા “વિશ્વ ઓઝોન દિવસ-૨૦૨૩” ની ઉજવણી
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના માનનીય કુલપતિશ્રી, ડો. વી. પી. ચોવટીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કૃષિ હવામાન સેલ, કૃષિ વિજ્ઞાન વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ દ્વારા “વિશ્વ ઓઝોન દિવસ-૨૦૨૩” ની ઉજવણી તા. ૧૬/૦૯/૨૦૨૩ના રોજ કરવામાં આવી.
વિશ્વ ઓઝોન દિવસ, જેને ઓઝોન સ્તરની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓઝોન સ્તર અને તેના જોખમો તરફ ધ્યાન દોરવા માટે દર વર્ષે સપ્ટેમ્બર, ૧૬ના રોજ સમગ્ર વિશ્વમાં એક સાથે ઉજવાય છે. આ દિવસનો હેતુ ઓઝોન સ્તરને બચાવવાના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ ઉજવણીમાં કૃષિ મહાવિદ્યાલયના કુલ ૧૭૦ વિધાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમમાં ડો. પી. કે. ચોવટિયા, ઇન્ચાર્જ પ્રાધ્યાપક અને વડા દ્વારા સ્વાગત પ્રવચનમાં દિવસે દિવસે વધતા જતા પ્રદુષણથી અસરકર્તા પર્યાવરણ અને જમીનને બચાવવા માટેના પગલાંની માહિતી આપી. આ કાર્યક્રમમાં ડો. જે. બી. પટેલ, આચાર્ય અને ડીનશ્રીના પ્રતીનીધી તરીકે હાજર રહેલ અને તેમના પ્રેરક પ્રવચન દ્વારા દૈનિક ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓનો ત્યાગ કરીને પર્યાવરણ કેવી રીતે સુરક્ષિત કરવું એના મહત્વ વિશે સમજાવ્યું અનેત્યારબાદ ડો. એસ. જે. સિંધી, મદદનીશ પ્રાધ્યાપક અને આયોજકે વિશ્વ ઓઝોન દિવસના મહત્વ અને જીવન બચાવવા માટે સર્વગ્રાહી વિચારસરણીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમજ “સેવ ઓઝોન સેવ ધ પ્લેનેટ” વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું. ડો. સિંધીએ વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ઓઝોન સ્તરના ઘટાડાની પ્રતિકૂળ અસરોનો ઉલ્લેખ કર્યો. તેમણે તમામ સહભાગીઓને સાથે મળીને કામ કરવા તેમજ ઓઝોન સ્તરને સુરક્ષિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા વિનંતી કરી.
આ કાર્યક્રમમાં પોસ્ટર અને સ્લોગન સ્પર્ધાઓનું પણ આયોજન કરેલ. જેમાં શ્રેષ્ઠ પોસ્ટર અને સ્લોગન માટે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોથી નવાજવામાં આવ્યા હતા. આ શુભ દિવસના અંતે ઓઝોન સ્તરના રક્ષણ અને પૃથ્વી પર જીવન બચાવવા માટે તમામ સહભાગીઓને શપથ લેવડાવવામાં આવ્યા.
"ઓઝોન વગરની પૃથ્વી છત વગરના ઘર જેવી છે"
"ઓઝોન, એક સ્તર નથી પરંતુ રક્ષક છે"